સૂરજપર (ભારાપર)માં શિક્ષણનો નવો અધ્યાય
સૂરજપર (ભારાપર)માં શિક્ષણનો નવો અધ્યાય કેરા (તા. ભુજ), તા. 12 : જાહેરાત કર્યાને આઠ મહિનામાં જ તાલુકાનાં સૂરજપર (ભારાપર) ગામે સરકારી માધ્યમિક શાળા શરૂ થતાં શિક્ષણનો નવો અધ્યાય આરંભાયો છે તેવી વાત સાથે ધો. 9ના પ્રથમ વર્ગમાં રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહીરે 23 છાત્ર-છાત્રાઓને પ્રમાણપત્ર આપી પ્રવેશ કરાવ્યો હતો. શાળાના નવા મકાન નિર્માણની જાહેરાત કરાઈ હતી. મતબેંકને આધારે મનભેદ કરવાના અમારા સંસ્કાર નથી `સૌનો સાથ સૌનો વિકાસ' અમારો આત્મભાવ છે જે આજે દેખાઈ રહ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણક્ષેત્રે સેવેલી ચિંતા ગ્રામ્ય ક્ષેત્રની દીકરીઓને ઘર સુધી શાળા ઉપલબ્ધિનું માધ્યમ બની છે. શાળા છોડવાનું પ્રમાણ ઘટયું છે. રૂઢિચુસ્ત ઘરની કન્યાઓને ઉચ્ચ શિક્ષણ નસીબ થયું છે. રાજ્ય સરકારની ઉપલબ્ધિ ગણાવતાં સંસદીય સચિવ વાસણભાઈ આહીરે હાઈસ્કૂલ શરૂ કરાવી હતી. મળતી ભેટ-સોગાદ કન્યા કેળવણી ફંડમાં વાપરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતે મંગવાણા શાળાના પ્રથમ છાત્ર હોવાનો ભૂતકાળ  સગૌરવ સ્મર્યો હતો. તેમણે  શિક્ષણના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. આ અવસરે પાસપોર્ટ કેન્દ્ર, વિઝાના પ્રશ્નો, બિનનિવાસી વર્ગની તકલીફો માટે યુવા સાંસદનું વિશેષ સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ દીકરીઓની ખાસ માવજત લેવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. પટેલ ચોવીસીમાં સુવિધા વધારવા બદલ શ્રી આહીરનો તેમણે આભાર દર્શાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, જિ.પં. સદસ્યા નિયતિબેન પોકાર, તાલુકા સદસ્યો મંજુલાબેન અમૃતલાલ ગોહિલ, ઈસ્માઈલભાઈ કુંભાર, નિયામતબાઈ લતીફ રાઠોડ (સેડાતા), વિનોદ મેપાણી (સૂરજપર), દેવાભાઈ ચાવડા (ભારાપર), પૃથ્વીરાજસિંહ (વડઝર) સરપંચોની નોંધ લેવાઈ હતી. તેમના હાથે શ્રી આહીરનું લોકો વતી ઋણ સ્વીકારાયું હતું. કાંતાબેન રવજી ગોંડરિયા, પ્રકાશ સુથાર, નારાણ પિંડોરિયા સહિતના હાજર રહ્યા હતા. પદ્મજા ચિંતન મહેતા (આચાર્યા)એ સૌને આવકાર તલાટી રાજલ ગઢવીએ આભાર, વસંત પટેલે શબ્દ સંકલન કર્યું હતું. આ પ્રસંગે હરિ સ્પોર્ટસ મેદાનમાં સહયોગી હરિભાઈ કેસરા હીરાણીનું દાતા તરીકે સેનિટેશન નિર્માણ માટે એક્સેલ ક્રોપ કેર લિમિટેડ કંપનીના એરિયા મેનેજર નિખિલભાઈ જોશી અને વી.આર.ટી.આઈ.ના માવજીભાઈ બારૈયાની દાતા સંસ્થાના પ્રતિનિધિ તરીકે સન્માનપત્રથી વિશેષ નોંધ લેવાઈ હતી. આ સેનિટેશન યુનિટનું ખાતમુહૂર્ત પણ થયું હતું. પ્રવેશ પામેલા 23 વિદ્યાર્થીઓને પ્રથમ છાત્ર તરીકેના પ્રમાણપત્ર અપાયા હતા. તે પૈકી અફસરીન હારૂનભાઈ કુંભારે પ્રતિભાવ આપતાં ભણવાની સ્થાનિક સુવિધા માટે આનંદ દર્શાવ્યો હતો. તાલુકા મામલતદાર શ્રી રોહિત, તાલુકા વિ. અધિકારી એસ.બી. જાની, લેવા પટેલ સમાજ ભુજ પ્રમુખ હરિભાઈ હાલાઈ, શિક્ષણ પ્રમુખ કલ્યાણજી ગોંડલિયા, નારાણભાઈ કેરાઈ, દાતા મનજીભાઈ મેઘજી હાલાઈ, વાલજીભાઈ જાગાણી, ભરતભાઈ ઠક્કર, ઈકબાલ મેમણ, બાપાલાલ લોઢિયા, સૈયદ આજમશા, રમેશ રત્ના હાલાઈ (યુવા અગ્રણી) સહિતના વિવિધ સંસ્થાના અગ્રણીઓએ હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું. હરિભાઈ કેશરા હીરાણીએ ગણવેશ જાહેર કર્યા હતા. શિક્ષણાધિકારી શ્રી જરગેલા, મદદનીશ કે.નિ. કિશોરભાઈ સોની, સૂરજપર કન્યા શાળાના આચાર્યા તેજલબેન છત્રાળા, ગ્રુપાચાર્ય રવિભાઈ સોલંકી અને પાંચાડામાં શિક્ષણ સામગ્રી માટે માધ્યમ બનતા સેડાતાના આચાર્ય વસંતભાઈ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું. પ્રારંભે ગામ વતિ કૃતજ્ઞતા દર્શાવતા જાણીતા એડવોકેટ ભીખાલાલ મહેશ્વરીએ લોકપ્રતિનિધિઓની જાગૃતિને વધાવી હતી. સૂરજપર અને ભારાપરની છાત્રાઓએ કાર્યક્રમ રજૂ કર્યો હતો. શિક્ષક કિશોરભાઈ જેઠી સહિતના શાળા પરિવારે સહિયારો સહયોગ આપ્યો હતો.