ભુજના ભૂતનાથ મંદિર માટે માતબર 1.11 કરોડ જાહેર
ભુજના ભૂતનાથ મંદિર માટે માતબર 1.11 કરોડ જાહેર ભુજ, તા. 12 : અહીંની ઉત્તરવાહિની ખારી નદી ભૂતનાથ મહાદેવ મંદિરના ચાલી રહેલા નવનિર્માણ માટે મૂળ માનકૂવા હાલે મસ્કત વસતા કોસમોસ કંપનીના શ્રેષ્ઠી ધનસુખભાઈ લીંબાણી દ્વારા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર જેવી માતબર રકમ જાહેર કરાઈ હતી અને તે પૈકી રૂા. 25 લાખ બેઠકમાં અર્પણ કર્યા હતા. આ પહેલાં પણ તેમણે મંદિરના સંત કુટિરના નિર્માણ માટે રૂા. સાત લાખ સતોતેર હજાર સાતસો સતોતેરનું દાન જાહેર કરી જ ચૂક્યા છે. જેમાંથી બે રૂમ-રસોડાવાળા સંતકુટિરનું નિર્માણ થયું છે. ગત બે વર્ષ પહેલાં શૈલેશભાઈ જાની દ્વારા મસ્કતમાં જાણીતા કથાકાર કશ્યપભાઈ શાત્રીના આચાર્યપદે ભૂતનાથ મહાદેવ મંદિરના નવનિર્માણ માટે ત્રિદિવસીય મહામૃત્યુંજય જાપનું આયોજન કરાયું હતું ત્યારે તમામ કલાકારો અને બ્રાહ્મણોના આવવા-જવાની અને મસ્કતમાં ઉતારાની તમામ વ્યવસ્થા ધનસુખભાઈએ કરી હતી. ભૂતનાથ મહાદેવના સંકુલને ઉત્તર ગંગા તર્પણ તીર્થ મોક્ષધામ સંકુલ તરીકે વિકસાવવાનું કાર્ય છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી વિવિધ દાતાઓના સહયોગથી સત્સંગ હોલ, સંત કુટિર, કથા મંડપ, લાયબ્રેરી, યજ્ઞશાળા, ધ્યાનખંડનું નવનિર્માણ થઈ ચૂક્યું છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય શૈલીમાં કચ્છના જ યલો સ્ટોનથી નવનિર્માણ થઈ રહ્યું છે અને એ મંદિરના નવનિર્માણ માટે આજે શ્રી લીંબાણીએ મુખ્ય દાતા તરીકે એક કરોડથી વધુ દાન જાહેર કર્યું હતું જે અન્ય દાતાઓ માટે પ્રેરક બનશે. મંદિર નવનિર્માણ બાદ ભોજનશાળા અને ઉતારાવાળું સંકુલ અને ભવિષ્યમાં રસ્તે રખડતા નિરાશ્રિત પશુઓની ગૌશાળાનું નિર્માણનું આયોજન વિચારણા હેઠળ છે. આ જગ્યા મૂળ નગરપાલિકા હસ્તકની છે અને એની સારસંભાળ વરસોથી પબુરાઈ ફળિયાના મિત્રો સંભાળી રહ્યા છે ત્યારે સંકુલ અને મોક્ષધામના વિકાસ માટે ભાડા તેમજ નગરપાલિકા તરફથી આર્થિક સહયોગ મળતો રહ્યો છે. સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટથી કોમ્યુનિટી હોલ પણ નિર્માણ થયું છે, જેનું પણ નજીકમાં લોકાર્પણ કરાશે. વિકાસકાર્યમાં પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા સાથે ટ્રસ્ટીઓ રાજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, હિતેશ માહેશ્વરી, બંકીમભાઈ ખત્રી, શૈલેશભાઈ જાની, ગૌરીગિરિ ગોસ્વામી, હરેશ ઠક્કર, કીર્તિ ઠક્કર, નરેશભાઈ પરમાર (શંભુ), નવીનગિરિ ગોસ્વામી, ભરતભાઈ જેઠી, અજિત પરમાર, બ્રિજેશ શર્મા, અજિતભાઈ માનસતા, મનજીભાઈ પટેલ, જગત વ્યાસ, જયેશભાઈ ઠક્કર (બાપા), સુરેશભાઈ ઠક્કર, અતુલભાઈ એન્જિનીયર, જયેશ ઠક્કર (એરફોર્સ કોન્ટ્રેક્ટર) વગેરે સાથે મોટી સંખ્યામાં કાર્યકરો સહયોગ આપી રહ્યા છે. આજના પ્રસંગે જાણીતા ભજનિક અને ભુજમાં નારાયણ ભજનધામ ઊભું કરનારા સમરથસિંહ સોઢા, માનકૂવાના નવીન વ્યાસ, કિસાન લોજવાળા વેલજી આહીર, ગૌપ્રેમી વસંતભાઈ સોની વગેરે પણ હાજર રહ્યા હતા. વિશેષમાં પાંચ વર્ષ અગાઉ યોજાયેલા સ્વર દરબાર ભજનના કાર્યક્રમ દ્વારા કલાકારોના વિશેષ સહયોગથી પણ મોટી રકમ એકઠી થઈ હતી. છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા શ્રાવણી સત્સંગમાં પણ આખાય ગુજરાતના નામી અનામી કલાકારોએ સહયોગ આપ્યો છે, તેમનો ભૂતનાથ સેવા સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.