ભીમાસર-આડેસર વચ્ચે ટ્રક તથા જીપ વચ્ચે ટક્કર થતાં 8 ઘવાયા
ગાંધીધામ, તા. 12 : રાપર તાલુકાનાં ભીમાસર-આડેસર નજીક વહેલી સવારે તૂફાન જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં જીપમાં સવાર આઠ મુસાફરોને હળવાથી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માર્ગ અકસ્માતનો આ બનાવ આજે વહેલી સવારે 5.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ બનાવ સંદર્ભે ફરિયાદી બાબુ ધના સોલંકીએ તૂફાન જી.જે. 8વી 3433 નંબરની તૂફાન જીપના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી તૂફાન જીપના ચાલકે પૂરઝડપે જીપ ચલાવી જી.જે. 11 વાય 5159 નંબરના ડમ્પર સાથે અથડાવી હતી. જીપમાં સવાર પ્રવાસીઓ રાપરથી પડાણા તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોમાં ગલાલબેન મોતી કોલી, સવીબેન વાળા કોલી, વાઘા હરજી કોલી, અંબાબેન કિશોર કોલી, ગૌરીબેન રામશી કોલી, બાબુ ધના સોલંકી, દેવરામ રાજા સુતારને હળવાથી ગંભીર પ્રકારની ઇજા થતાં સારવાર માટે રાપર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે કિશોર સુરા કોલી, કાનજી વજા દલિત અને ટપુ ડાયા કોલીને ગંભીર ઇજા હોતાં વધુ સારવાર માટે ભચાઉ ખસેડાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.