માધાપરમાં ભારેખમ વિદ્યુત લાઈનને શેરીઓ વચ્ચે નાખવાના કાર્યનો વિરોધ
માધાપર (તા. ભુજ), તા. 12 : આ ગામે જૂનાવાસ વિસ્તારમાં આવેલી સુરક્ષા સોસાયટી પાસે આનંદ કોલોનીમાંથી પસાર થતી 11 કે.વી. મુખ્ય વિદ્યુત લાઈન શેરીઓ વચ્ચેથી પસાર કરવાની હિલચાલ થતાં 24 જેટલા આસપાસના રહેવાસીઓએ સખત વિરોધ દર્શાવી તંત્રની ઓફિસે મામલો પહોંચતા ઈન્જિનીયરે તપાસ કરી યોગ્ય કરવા ખાતરી આપી હતી. વર્ષો પહેલાં નખાયેલી આ ભારે લાઈન કોઈના ખાનગી પ્લોટમાંથી જતી હોવાથી તે પ્લોટમાંથી કાઢી શેરીઓ વચ્ચેથી પસાર કરવા બે થાંભલાઓ નખાતાં આસપાસના રહેવાસીઓએ વાંધો ઉઠાવ્યો હતો તો ત્યાંના રહેવાસી અતુલભાઈએ જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ પહેલાં સુરક્ષા સોસાયટી પાસેથી પસાર થતી આ લાઈનમાં એક બાળકી સંપર્કમાં આવતાં જીવ ગુમાવ્યો હતો. તો ફરી શેરી વચ્ચે આ લાઈન પસાર થાય તો આખી શેરીના રહેવાસીઓએ ભયના ઓથર હેઠળ રહેવું પડે. આ લાઈન જ્યાં છે ત્યાં જ રહેવા દેવા માગણી થઈ છે જે માટે તંત્રના માધાપરના એન્જિનીયરએ હાલપૂરતું આ કામ અટકાવી યોગ્ય કરવા હૈયાધારણા આપી છે.