ગાંધીધામ છકડો-રિક્ષા ચાલકોને રક્ષા બાંધી મહિલાઓને સુરક્ષા આપવા અપીલ
ગાંધીધામ, તા. 12 : અહીંની સંસ્થા ઈન્નરવ્હીલ કલબ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. છકડો- રિક્ષા ચાલકોને રક્ષા બાંધી દીકરીઓ-મહિલાઓને સુરક્ષા આપવા અનુરોધ કર્યો હતો. કલબના પ્રમુખ ઈશ્વરી વીસરિયાના જણાવ્યા પ્રમાણે ગાંધીધામ આદિપુરમાં પ્રવાસીઓનું વહન કરતા 44 જેટલ છકડા ચાલક અને રિક્ષા ચાલકોને કલબની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. શહેરમાં કોઈ નિર્ભયાકાંડ કે ચંદીગઢમાં હાલમાં જે બનાવ બન્યો તેવી ઘટના ન બને તે હેતુથી  છકડો કે રિક્ષામાં કોઈ દીકરી કે બહેનને લઈ જાય તો  તેને સુરક્ષા આપવાની જવાબદારી ચાલકોને સોંપવામાં આવી હતી. આ વેળાએ તમામ રિક્ષા અને છકડારિક્ષા ઉપર સંકલ્પ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. જેથી તેઓને મહિલા-દીકરીને સુરક્ષા આપવાની જવાબદારી અંગે ખ્યાલ રહે. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ઈન્નરવ્હીલ કલબના સેક્રેટરી મનમિત કૌર, કલબના પૂર્વ પ્રમુખો, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગાંધીધામ સંકુલમાં પાલિકાની સિટીબસ સેવા ઉદ્ઘાટન બાદ અદ્રશ્ય થઈ ગઈ હોવાથી મહદઅંશે નાગરિકો શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા છકડા કે રિક્ષાનો જ ઉપયોગ ફરજિયાતપણે કરી રહ્યા છે. નાગરિકોની સુરક્ષાની જવાબદારી સરકારી તંત્રો બજાવતા નથી ત્યારે આ નવતર કાર્યક્રમે બૌદ્ધિકોમાં પ્રસંશા મેળવી હતી.