કચ્છ યુનિ.ની કોર્ટની નવરચનાનું કાર્ય શરૂ : સ્નાતક નોંધણી
ભુજ, તા. 16 : કચ્છ યુનિવર્સિટીમાં તાજેતરમાં એક્ઝિકયુટિવ કાઉન્સિલની રચના રાજ્યપાલના પ્રતિનિધિ તરીકે મૂકવાના થતા બે સભ્યો સિવાય પૂર્ણ થઈ ચૂકી છે અને હવે યુનિ. એકટ અન્વયે કોર્ટની મુદ્દત પણ પૂર્ણ થઇ રહી છે ત્યારે નવરચનાની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. કોર્ટમાં `નોંધાયેલા સ્નાતક'ની અલગ-અલગ છ બેઠકો હોય છે, તેની પસંદગી માટે સ્નાતક મંડળ તરીકે નોંધણીની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. આ માટે ઈસીની જેમ કોર્ટ સભ્યોની પસંદગીમાં પણ કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓએ પોતાની પસંદગી અને દાવેદારી વધુ મજબૂત બને તે માટે `પોતાના' સ્નાતક છાત્રો પાસેથી વધુમાં વધુ ફોર્મ ભરાવવાના પ્રયાસો જોરમાં હોવાનું જાણવા મળે છે. યુનિ.ની સેનેટ એટલે કે, કોર્ટમાં યુનિ.-તેના ભવનો અને રાજ્ય સરકારના નિયુકત અધિકારીઓ, નગરપાલિકા-પંચાયત, શાળા, બાર-મેડિકલ કાઉન્સિલ, કોલેજના આચાર્ય-અધ્યાપકો, યુજી-પીજી વિદ્યાર્થીઓથી બનેલી હોય છે. જેમાં આર્ટસ, શિક્ષણ,વિજ્ઞાન, કાયદા, તબીબી, કોમર્સ એમ છ બેઠકો હોય છે. તેની પસંદગી માટેના મંડળમાં નોંધણી માટે જાહેરાત કરી દેવામાં આવી છે. કચ્છ યુનિ.નો શિક્ષક-આચાર્ય સિવાયના કોઈપણ સ્નાતક જોડાઈ શકે તેવી આ નોંધણીની આખરી તારીખ ર7-7 છે. યુનિ.એ આ માટેનું અરજીપત્રક પણ વેબસાઈટ પર મુકી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને પક્ષ પૂરા જોરથી પોતાની કમ સે કમ અડધી બેઠકો લઇ આવવાનો વિશ્વાસ ધરાવે છે.