વાગડમાં જુગારના જુદા જુદા બે દરોડા હેઠળ દશ ખેલી કાયદાના પાંજરે પુરાયા
ગાંધીધામ, તા. 16 : રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં જુગાર રમતા 7 શખ્સોને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 82,100 કબજે કર્યા હતા તેમજ રવ ગામમાં વાડી વિસ્તારમાંથી ત્રણ શખ્સોની અટક કરી રોકડ રૂા. 10,050 હસ્તગત કરવામાં આવ્યા હતા. ફતેહગઢ ગામની સીમમાં જુગાર રમતા ગોવિંદ મનજી પટેલ, અવચર પાંચા દેવડા (પટેલ), રામજી ભચુ ભાડવા (પટેલ), અંબાવી મનજી દેવડા (પટેલ), દેવજી હરજી દેવડા (પટેલ), હીરા કેશા પટેલ અને ખીમજી હરખા પટેલ નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પતા ટીંચતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 82,100 જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ રવ ગામના વાડી વિસ્તારમાં રમજુભા જાડેજાની વાડીમાં ધાણીપાસા વડે જુગાર ખેલતા બાલુભા ઉર્ફે રોહિતસિંહ ગુલાબસિંહ જાડેજા, દિલુભા હેતુભા જાડેજા, કાનજી રણછોડ કોળી નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,050 હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસે આ બે દરોડામાં 10 શકુનિ શિષ્યોની અટક કરી તેમના કબજામાંથી કુલ રોકડ રૂા. 92,150 કબજે કર્યા હતા.