ડુમરા ગામે ડેમ-તળાવના કાર્યો સત્વરે મંજૂર કરો
ડુમરા (તા. અબડાસા), તા. 16 : સિંચાઇ વિભાગના જરૂરી કામો સત્વરે મંજૂર કરવા જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ ડુમરા ગ્રા.પં. સરપંચ દ્વારા રજૂઆત કરાઇ છે. ડુમરા ગામે જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ હસ્તેના તળાવ અને ડેમોમાં વરસોથી કોઇપણ કામ ન થવાના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થઇ?શકતો નથી જેના કારણે ખેડૂતોને કે પશુઓને આ જળસંગ્રહના કામો ઉપયોગી થતા નથી.  હાલે ગામમાં તળાવ સુધારવાનું કામ, પાકી સંરક્ષણ દીવાલ, પાણીની આવ સુધારણા અને પાકી બનાવવાનું કામ, તળાવ ઓગન અને તળાવના આરા (પગથિયાં) બનાવવાના કાર્યો, ડુમરાપીર તળાવ સુધારવા, સંરક્ષણ દીવાલ, આવ સુધારણા અને પાકી બનાવવું કાર્ય, ઓગન, તળાવના આરા (પગથિયાં), ડુમરા ડેલા ડેમ-1 બે વર્ષ પહેલાં તૂટી ગયો છે. માટીકામ, આવ સુધારણા અને પાકું ઓગન બનાવવું જરૂરી બન્યું છે. ડેમ-2માં માટીકામ, આવ સુધારણા અને ઓગન પાકું બનાવવાનું કાર્ય તાત્કાલિક ધોરણે મંજૂર કરવા માંગ કરાઇ હતી.