ગાંધીધામ સંકુલમાં મહિલા અત્યાચારના વધતા બનાવ : એન્ટિ રોમિયો સ્ક્વોડ જરૂરી
ગાંધીધામ, તા. 16 : સંકુલમાં મહિલાઓ પરના અત્યાચારના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાંય ખાસ કરીને શાળા, કોલેજ કે ટયૂશનમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીઓ સાથે છેડતી, રેગિંગ સહિતના બનાવો પણ વધ્યાં છે ત્યારે આ સંકુલમાં એન્ટિ રોમિયો સ્કવોડની રચના કરવા માંગ ઊઠી છે. આ સંકુલમાં વિદ્યાર્થિનીઓ સાથે થતા આવા અમુક જ બનાવો પોલીસ ચોપડે ચડે છે તો અમુક વાલીઓ અને વિદ્યાર્થિનીઓ ભયનાં કારણે પોલીસ સુધી પહોંચતા નથી. જેથી  આવારા અને લુખ્ખા તત્ત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે. આવા આવારા અને લુખ્ખા તત્ત્વોની હેરાનગતિનાં કારણે વિદ્યાર્થિનીઓના અભ્યાસ ઉપર પણ અસર પડતી હોય છે. સંકુલની શાળા, કોલેજ, ટયૂશન કલાસ તથા જાહેર સ્થળોએ આવા તત્ત્વો અડિંગો જમાવીને બેઠા હોય છે. આવા તત્ત્વોમાં ધાક બેસાડવા માટે એન્ટિ રોમિયો સ્કવોડ બનાવવાની માંગ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ચેતન જોશીએ કરી હતી. અમુક લવરમૂછિયા દ્વારા ધૂમ સ્ટાઇલથી બાઇક હંકારીને લોકોમાં દહેશત ફેલાવવામાં આવે છે, સંકુલની વિદ્યાર્થિનીઓ, યુવતીઓ આઝાદીથી ફરી શકે તે માટે આવા તત્ત્વો સામે લાલઆંખ કરવા પણ માંગ કરવામાં આવી હતી. ખાસ તો પૂર્વ કચ્છના પોલીસવડા જાતે એક મહિલા છે ત્યારે આ દિશામાં તત્કાળ પગલાં ભરાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે.