નલિયાકાંડમાં ગાંધીધામના આરોપીની જામીન અરજી નામંજૂર : નલિયાના પિતા-પુત્રને વચગાળાના ન અપાયા
ભુજ, તા. 18 : સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા નલિયાના સામૂહિક દુષ્કર્મના હાઇપ્રોફાઇલ મામલામાં અત્રેની જિલ્લા અદાલત દ્વારા કેસના ધરપકડ કરાયેલા આઠ આરોપીઓ પૈકીના ગાંધીધામ શહેરના રહેવાસી વસંત કરશનદાસ ચાન્દ્રા-ભાનુશાલીની નિયમિત જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. તો બીજીબાજુ આ જ કોર્ટએ પ્રકરણના અન્ય બે આરોપી નલિયાના વિનોદ વિશનજી ઠક્કર ઉર્ફે બબાશેઠ અને તેમના પુત્ર ચેતનના વચગાળાના જામીન માટેની માગણી પણ ઠુકરાવી દેવામાં આવી હતી. ચર્ચાસ્પદ કિસ્સાના કાનૂની જંગની પ્રથમ લડાઇમાં જ ન્યાયતંત્ર દ્વારા આરોપીઓને આ ફટકો અપાયો હતો.  અત્રેના અધિક સેશન્સ જજ એ.આઇ. રાવલ સમક્ષ નિયમિત અને વચગાળાની આ બન્ને જામીન અરજી વિશે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બન્ને પક્ષે જોરદાર દલીલબાજી થઇ હતી. આ વચ્ચે કેસની ભોગ બનનારી યુવતી દ્વારા સોગંદનામું કરીને આરોપી વસંત ભાનુશાલીને કલીનચીટ આપવાનું પગલું અમલી બનતાં હવે શું ચુકાદો આવે છે તેના ઉપર સૌ સંબંધિતોની મીટ મંડાઇ હતી. આ વચ્ચે આજે ઉઘડતી અદાલતે ન્યાયાધીશે જામીન અરજીઓ નામંજૂર કરતો આદેશ જાહેર કર્યો હતો.  આરોપી વસંત ભાનુશાલી માટે કરાયેલી નિયમિત જામીન અરજીની સુનાવણી દરમ્યાન અદાલતે આ તહોમતદાર સામે પ્રથમ દર્શનીય ગુનો માન્યો હતો. પીડિતા દ્વારા રજૂ થયેલા સોગંદનામાની સામે પશ્ચિમ કચ્છ પોલીસની ખાસ તપાસ ટુકડી (સીટ) દ્વારા કરાયેલી તપાસને પ્રાધાન્ય આપી વિવિધ મુદ્દાનું ખંડન કરતાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો હતો.  જ્યારે આ પ્રકરણના અન્ય બે તહોમતદાર વિનોદભાઇ ઠક્કર ઉર્ફે બબાશેઠ અને તેમના પુત્ર ચેતન ઠક્કર દ્વારા પરિવારમાં ભત્રીજાના લગ્ન હોવાનું જણાવીને ચાર દિવસના વચગાળાના જામીનની માગણી કરી હતી. આ બાબતે પણ ન્યાયાધીશ શ્રી રાવલ સમક્ષ સુનાવણી થયા બાદ આ માગણી પણ નામંજૂર કરવામાં આવી  હતી.  આ બન્ને જામીન અરજીની સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી. હોટ ઇસ્યુ બનેલા પીડિતા દ્વારા વસંત ભાનુશાલી તરફે કરાયેલા સોગંદનામાં સામે દલીલો કરતા સરકારી વકીલ શ્રી જાડેજાએ કોર્ટને એવું જણાવ્યું હતું કે, જો આરોપીઓ જેલમાં બેઠાબેઠા આવું કરાવી શકતા હોય તો તેઓ જામીન ઉપર મુકત થયા બાદ કેસ અને પુરાવા સાથે શું ન કરી શકે ? કોર્ટે આ અને અન્ય દલીલો ગ્રાહ્ય રાખીને ચુકાદો આપ્યો હતો.