સાંગનારામાં જંગલી શ્વાનોના સમૂહે કરેલા હુમલામાં માસૂમ બાળાનું મોત
સાંગનારામાં જંગલી શ્વાનોના સમૂહે  કરેલા હુમલામાં માસૂમ બાળાનું મોત ભુજ, તા. 18 : નખત્રાણા તાલુકામાં સાંગનારા ગામ પાસેના ગોડજીપરા વાડી વિસ્તારમાં ગઇકાલે મોડીસાંજે બનેલી એક કરુણ ઘટનામાં જંગલી શ્વાનોએ હુમલો કરીને ભયંકર રીતે ફાડી ખાતાં ખેતમજૂર પરિવારની નવ વર્ષની વયની બાળકી સોનલ કિરીટ નાયકાનું મૃત્યુ થયું હતું. આ કિસ્સામાં સોનલને બચાવવા પ્રયત્નો કરનારી તેની નાની બહેન પૂજા પણ બૂરી રીતે જખ્મી થતાં તેને સારવાર તળે રખાઇ છે. બહાર આવેલી વિગતો અનુસાર નખત્રાણાથી સાત  કિ.મી. દૂર આવેલા સાંગનારા ગામના પાદરમાં ગોડજીપરા વાડી વિસ્તારમાં જગદીશ ઇશ્વરલાલ કેશરાણી નામના ખેડૂતની વાડીમાં આ કરુણ અને જીવલેણ કિસ્સો બન્યો હતો. વાડીમાં દાડમના પાક વચ્ચે ખેતમજૂર કિરીટ મોહન નાયકાની પુત્રી સોનલ (ઉ.વ. 9) રમી રહી હતી ત્યારે જંગલી કૂતરાઓએ તેના ઉપર હુમલો કર્યો હતો. શ્વાનોના આ સમૂહે માસૂમ સોનલને માથા અને મોઢામાં બૂરી રીતે એવા બચકાં ભરીને તેને ફાડી ખાધી હતી કે આ બાળકીનું મૃત્યુ થયું હતું.  કૂતરાઓના હુમલામાં પોતાની બહેનને બચાવવા માટેના પ્રયાસો કરનારી સોનલની નાની બહેન પૂજાને પણ શ્વાનોએ બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કરી હતી. આ બાળકીને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે. બનાવ બાબતે મરનાર બાળકીના પિતાએ નખત્રાણા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. સહાયક ફોજદાર અભેરાજાસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.