મુંદરામાં સ્વાઇન ફ્લુથી મોત થયા પછી તંત્રે પગલાં ન લીધાં
મુંદરા, તા. 18 : થોડા દિવસ પહેલાં 37 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લુના   કારણે અમદાવાદ મધ્યે મૃત્યુ?  થયું હતું. ત્યારબાદ  આરોગ્યતંત્ર તરફથી બનાવનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી તેમજ અત્યંત ગંભીર બનાવ બાદ તકેદારીનાં ખાસ પગલાં લેવામાં ન આવતાં જ્યાં બનાવ બન્યો હતો એ મુંદરા સોસાયટી વિસ્તારમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ છે.  વાંકી પી.એચ.સી. સેન્ટરના હરિભાઇનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, મૃતકના સંપર્કમાં આવેલી વ્યક્તિને 10 દિવસની ગોળી આપવામાં આવી હતી, અને હવાના માધ્યમથી સ્વાઇન ફ્લુ ફેલાય છે. બનાવનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જ્યારે અન્ય સૂત્રો જણાવે છે કે, સમગ્ર વિસ્તારમાં ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવો જોઇએ, ઉપરાંત ઘટના સ્થળ વાળું મકાન પણ તદ્દન જંતુમુક્ત કરવું જોઇએ. જો કે, એવું કશું બન્યું નથી. 50 મીટરના વિસ્તારમાં દવા છંટકાવ સાથે રહેવાસીઓને  માસ્ક આપવા સહિતના સ્વાઇન ફ્લુ સંદર્ભે લેવાં જોઇતાં તકેદારીનાં પગલાં ન લેવાથી આ વિસ્તારના રહીશોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. મળતી માહિતી મુજબ, ફોગિંગ મશીન લાંબા સમયથી બગડી ગયું છે, જેનું સમારકામ કામ હજુ સુધી થયું નથી. સંપર્કમાં આવેલી વ્યક્તિઓના લોહીના નમૂના લેવા જેવી તકેદારી પણ આરોગ્યતંત્ર તરફથી લેવામાં આવી નથી.