ભચાઉમાં વિકાસપથની વર્ષોથી બંધ લાઈટો બદલવાનું શરૂ
ભચાઉ, તા. 18 : અહીં નર્મદા નહેર વધામણાં પ્રસંગે તા. 22/5ના આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વધાવવા માટે શહેર અને આસપાસના વિસ્તારોમાં કામોનો ધમધમાટ શરૂ થયો છે. વિવિધ ખાતાના અધિકારીઓ પણ તડામાર તૈયારીમાં લાગી ચૂક્યા છે. શહેરમાં દુધઇ રોડ પર સફાઇ કામદારોની મશીનરી સાથે રસ્તા સાફ થઇ?રહ્યા છે, તો કસ્ટમ સુધીની વર્ષોથી જે વિકાસપથની સ્ટ્રીટલાઇટ બંધ હતી તેની એલઇડી લગાડવાનું કામ શરૂ થઇ રહ્યું છે. તો સરકારી કચેરીઓને સાફસૂથરી, સ્વચ્છ કરવા તંત્ર કામે લાગ્યું છે. જીઇબીની સંચાલન નિભાવ કચેરીમાં ફાઇલોના બૂકચા બાંધી સફાઇ કરાઇ રહી છે. તો કેન્દ્રના ઉચ્ચ અફસરો કાર્યક્રમની તૈયારીરૂપે નહેરના કામનું ખાનગી રીતે જાત- નિરીક્ષણ કરી ગયાના વાવડ છે. રાજ્ય-જિલ્લાના પક્ષના હોદ્દેદારો, કાર્યકરો સ્થાનિક આવી ગયા છે. જિલ્લા-રાજ્યના રેવન્યૂ-નર્મદા પીડબલ્યુડીના વડા સતત કામે લાગ્યા છે. પોલીસ વિભાગ પણ  વ્યવસ્થા માટે આવી રહ્યો છે. સરકારી ગેસ્ટહાઉસ હજી સજાવાય છે, તો ખાનગી ગેસ્ટહાઉસ, સરકારી-સામાજિક હોલ બુક કરાવાયા છે.