3 માસથી ચડત પગારથી વંચિત ભુજ સુધરાઇના સફાઇ કામદારો
ભુજ, તા. 18 : શહેર નગરપાલિકાના સફાઇ કામદારો/રોજંદાર કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગારનું ચૂકવણું ન કરાતાં પરિવારનું ગુજરાન મુશ્કેલ બન્યું છે તેમ જણાવી ધારાસભ્યએ આપેલી બાંહેધરી ઠગારી નિવડી હોવાનું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું. આ અંગે રાજેન્દ્રાસિંહ જાડેજાએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા 3 માસથી નગરપાલિકા દ્વારા સફાઇ કામદારોને ચડત વેતન ચૂકવાતું નથી જેને પગલે પરિવારનું ગુજરાન મુશ્કેલ બને છે. પગારની અનિયમિતતાને કારણે મજબૂરીવસ અન્યત્ર કાર્ય કરવું પડે છે અને શહેરની સફાઇને અસર થાય છે. વડાપ્રધાન આવવાના છે ત્યારે સફાઇ કામદારોની ટીમ સાથે સફાઇના આયોજન કરી માત્ર ફોટા પડાવાઇ રહ્યા છે.  અગાઉ રજૂઆત કરતાં એક માસનું ચડત વેતન ચૂકવ્યું પણ ફરી એની એ જ પરિસ્થિતિ નિર્માણ થઇ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય નીમાબેન આચાર્યે અગાઉ જાહેરાત કરી હતી કે, પગાર નિયમિત ચૂકવાશે પણ તે પોકળ નીકળી હોવાનું પણ શ્રી જાડેજાએ જણાવી ચડત પગાર સત્વરે ચૂકવાય તેવી કલેકટર સમક્ષ માંગ કરી હતી.