વિધાનસભા ચૂંટણી જીતવા કોંગ્રેસનો નિર્ધાર
વિધાનસભા ચૂંટણી જીતવા કોંગ્રેસનો નિર્ધાર ભુજ, તા. 18 : અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી અને સાંસદ રાજીવ સાતવજીની ઉપસ્થિતિમાં મળેલી કચ્છ જિલ્લા કોંગ્રેસની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. આ અવસરે શ્રી સાતવજીએ જણાવ્યું કે, તેઓ કાર્યકરોના મનની વાત સાંભળવા આવ્યા છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી તેમણે પંજાબના પ્રભારી તરીકે કરેલી કામગીરીનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, રાજ્યમાં સત્તા વિરોધી પવન ફૂંકાઇ રહ્યો છે. મોટા મોટા બણગા ફૂંકતી ભાજપની વડાપ્રધાનની અને રાષ્ટ્રીય અધ્યક્ષની પંજાબમાં 30-30 રેલીઓ છતાં માત્ર 3 બેઠકમાં જ સંકેલો થઇ ગયો હતો. 151 બેઠકોની વાતો કરતી ભાજપને 51 બેઠકો ઉપર વિજય પણ ન મળે તે માટે કાર્યકરોને કમર કસવાની અપીલ કરી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ સભા પ્રવચનમાં કચ્છની પ્રજાને કનડતા પ્રશ્નોની છણાવટ કરી હતી, તો આ સભામાં ખાસ ઉપસ્થિત ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે રાજીવ સાતવનો અને તેમની કાર્યશૈલીનો પરિચય આપી કચ્છ વતી આવકાર્યા હતા. નર્મદા મામલે કચ્છને અન્યાયની વિગતો આપી રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો કચ્છને 1 લાખ હેકટર મિ.લિ. વધારાના પાણી સહિતના પ્રશ્નોનો નિવેડો લવાશે તેવી ખાતરી આપી હતી. સભામાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રદ્યુમનસિંહ જાડેજા, રહીમભાઇ સોરા, સુફિયાતભાઇ મલિક, દશરથભાઇ રબારી, નવલસિંહ જાડેજા, જુમાભાઇ રાયમા ઉપસ્થિત રહ્યા હતા. દેવરાજભાઇ મ્યાત્રા, જયવીરસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી. પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહ, રાજેન્દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ, ઘનશ્યામસિંહ ભાટી, માંડવી તા.પં.ના પ્રમુખ ગંગાબેન સેંઘાણી, કલ્પનાબેન જોષી, અંજલિ ગોર, હરેશભાઇ આહીર, અરજણ ભુડિયા, સંદીપ જોષી, ભચુભાઇ આરેઠિયા, કરમશી વૈદ્ય, મહેશ ઠાકોર, હરિભાઇ પટેલ, રવિભાઇ ત્રવાડી, કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવી, ભુજ શહેર પ્રમુખ રસિકભાઇ ઠક્કર, માજી ધારાસભ્ય ઇબ્રાહીમ મંધરા, રફીક મારા, ફકીરમામદ કુંભાર વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શામજીભાઇ આહીરે, આભારવિધિ ઇલિયાસ ઘાંચીએ કર્યા હતા તેવું જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ગનીભાઇ કુંભારે જણાવ્યું હતું.