22મીએ ભચાઉ-રાપર બંધ પાળશે
ભચાઉ/ગાંધીધામ,તા. 18: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 22-5ના કચ્છની મુલાકાતે ભચાઉ ખાતે આવી રહ્યા છે તે સંદર્ભે ભચાઉ ખાતે વેપારીઓ, આગેવાનોની બેઠક યોજાઇ હતી. આ કાર્યક્રમને શ્રેષ્ઠ બનાવવા ભચાઉમાં જિલ્લાકક્ષાનું એક કાર્યાલય જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ખુલ્લું મુકાયું હતું. ભાજપ નેતાઓએ સઘન પ્રવાસ કર્યો હતો. 22મીએ ભચાઉ, રાપરના વેપારીઓ પણ બંધ પાળશે. દુધઇ રોડ પરના સનરાઇઝ મોલ ખાતે 24 કલાકના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડા, અરજણભાઇ રબારીએ ઉદ્બોધન કરી આ વિકાસની લહેરના પ્રસંગને વધુ દૈદિપ્યમાન બનાવવા કાર્યકરોને અપીલ કરી હતી. કચ્છના ભાજપ પક્ષના પ્રભારી અને રાજ્યના પૂર્વ મંત્રી-સાંસદ મોહનભાઇ ડુંગરિયા,  મુકેશભાઇ ઝવેરી, વીરેન્દ્રસિંહ બી. જાડેજા,  કૌશલ્યાબેન માધાપરિયા વિ. ઉપસ્થિત રહ્યાં હતાં. ભચાઉ નગરપાલિકા હોલ મધ્યે ગતસાંજે ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી, જેમાં ભચાઉના વેપારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓએ તા. 22-5ના મુખ્ય બજાર બંધ રાખી નર્મદાના નીરનાં વધામણાં માટે આવતા વડાપ્રધાનને સન્માનવા સમગ્ર ભચાઉ શહેર હાજર રહેશે તેવી ખાતરી અપાઇ હતી. ધારાસભ્ય શ્રી મહેશ્વરીએ 32 જેટલાં ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. ભચાઉ ખાતેની બેઠકમાં નગરપાલિકા પ્રમુખ ઊર્મિલાબેન કાવત્રા, મનજી ગામી, સુધરાઇના ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, કારોબારી ચેરમેન નરેન્દ્ર ઠક્કર, ભચાઉ શહેર પ્રભારી ડો. ભાવેશ આચાર્ય, ભાડા ચેરમેન વિકાસ રાજગોર, શહેર ભાજપ પ્રમુખ નરેશ જોશી, મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, વેપારી એસોસિયેશનના પ્રમુખ ભરતસિંહ જાડેજા, ગામડાના પ્રવાસમાં પ્રદેશ ભાજપના આગેવાન અરજણ રબારી, તાલુકા ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા, વાઘજી છાંગા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.