મોડવદરની કંપનીમાંથી થયેલી 2.67 લાખની ચોરી ઉકેલાઈ
ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના મોડવદર ગામની સીમમાં આવેલી રોયલ પ્લાયવૂડ પ્રા. લિ. નામની કંપનીમાંથી રૂા. 2,67, 000ની ચોરીના બનાવમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી રૂા. એકાદ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. મોડવદર ગામની સીમમાં આવેલી રોયલ પ્લાયવૂડ નામની આ કંપનીમાંથી ગત તા. 5/5થી 15/5 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ કંપનીમાં સેલ્સટેક્સ વિભાગની તપાસ ચાલુ હોવાથી કંપની બંધ હતી. દરમ્યાન, તસ્કરો તેમાં કળા કરી ગયા હતા. બંધ એવી આ કંપનીમાંથી પાંચ ટનનું હોએસ્ટરિપ મશીન, જેટ બોક્સ 11 નંગ, સિલિંગ વાયર 140 મીટર, સિલિંગ રોલર 13 નંગ, લોખંડની સીડી અને સ્પેરપાર્ટ્સ એમ કુલ્લ રૂા. 2,67,000ની મત્તાની ચોરી થઈ હતી. આ કંપનીમાં કામ કરતા ચોકીદારે તસ્કરોના ફોટા પાડી લીધા હતા. તસ્કરો વધુ હોવાથી ચોકીદારે તેમને પડકાર્યા ન હતા તેવું પોલીસે ઉમેર્યું હતું. ચોરીના આ બનાવમાં પોલીસે જવાહરનગરના વલ્લભ ભીખા કોળી અને ત્રંબૌના મનજી પોપટ કોળીની આજે ધરપકડ કરી હતી. તેમના કબ્જામાંથી રૂપિયા એકાદ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. તેમની સાથે અન્ય કોણ-કોણ હતા અને વધુ મુદ્દામાલ રિકવર કરવા બન્ને શખ્સોને રિમાન્ડની માગણી સાથે આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે તેવું ફોજદાર બી.એમ. રાણાએ જણાવ્યું હતું.