ભુજમાં લાખેક રૂપિયાની રોકડ સાથે સરાજાહેર બેગ ઉઠાવીને દ્વિચક્રી સવારો છૂ
ભુજ, તા. 18 : શહેરમાં અવરજવર થકી સતત ધમધમતા રહેતા ભીડનાકા વિસ્તારમાં રૂા. એકાદ લાખની રોકડ ભરેલી બેગ દ્વિચક્રી ઉપર આવેલા અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.  જાણવા મળેલી વિગતો અનુસાર જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા તાલુકાની આહીરપટ્ટીના એક ગામના વેપારી તેમના વાહનમાં પંકચર પડતાં તેને સંધાવવા માટે ઊભા હતા ત્યારે દ્વિચક્રી ઉપર આવેલા અજ્ઞાત શખ્સોએ તેમના ઉપર કોઇ પ્રવાહી છાંટતાં તેમને ખંજવાળ ઉપડી હતી. આ તકનો લાભ લઇને ગઠિયાઓ રોકડ સાથેની બેગ લઇને છૂ થઇ ગયા હતા.  ત્રણેક દિવસ જૂની ઘટનામાં ફરિયાદ નોંધવા માટે એ અને બી- ડિવિઝન પોલીસે  પોતાની હદ ન આવતી હોવાનું જણાવી ફરિયાદીને અહીંતહીં કર્યા હતા. અંતે આજે ઉચ્ચ અધિકારી પાસે રજૂઆત બાદ ફરિયાદ લેવાના ચક્રો ગતિમાન કરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.