ગાંધીધામમાં ત્રણ ટ્રાફિક વોર્ડન પર હુમલાથી ચકચાર
ગાંધીધામમાં ત્રણ ટ્રાફિક વોર્ડન પર હુમલાથી ચકચાર ગાંધીધામ, તા. 18 : શહેરના ઓસ્લો સર્કલ પાસે મોડીસાંજે કારચાલકે ત્રણ ટ્રાફિક વોર્ડન ઉપર હુમલો કર્યાનો બનાવ બનતાં ચકચાર પ્રસરી હતી. ટ્રાફિક ફરજમાં રહેલા મહેશ્વરી સમાજના ત્રણ યુવાનો પર થયેલા હુમલાના બનાવથી સમાજમાં આક્રોશ ફેલાયો છે. આજે પૂર્વ કચ્છમાં ટ્રાફિક વોર્ડન ઉપર હુમલાનો આ ત્રીજો બનાવ છે. બનાવનાં પગલે ઓસ્લો સર્કલ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. મોડીસાંજે 7.45 વાગ્યાના અરસામાં બનેલા આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટ્રાફિક ફરજમાં રહેલા વોર્ડન મનીષ ગોપાલ મહેશ્વરી અને અશોક દામજી મહેશ્વરીએ જી.જે. 18 પાસિંગની ઇનોવા કાર પસાર થતાં તેને રોકી હતી પરંતુ કારચાલકે ગાડી રોકી ન હતી. વોર્ડને બીજી વાર કાર રોકતાં ઉશ્કેરાયેલા શખ્સે કારમાંથી ઊતરી મનીષ અને અશોક ઉપર ધોકા વડે તૂટી પડયો હતો. આ દરમ્યાન વચ્ચે પડેલા લોકોએ તેને ઠપકો આપતાં આ ઉશ્કેરાયેલા શખ્સે રસ્તા પરના લોકો ગાડીની હડફેટે આવી જાય એ રીતે બેદરકારીપૂર્વક ગાડી દોડાવી દીધી હતી. બનાવની જાણ થતાં મહેશ્વરી સમાજના યુવાનો તેમજ અન્યો ઓસ્લો સર્કલ ધસી આવ્યા હતા અને કારચાલકને ઝડપી પાડવાની માંગ સાથે રોડ પર ઊતરી પડયા હતા. આ જ કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. લગભગ પોણો કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. બનાવની જાણ થતાં ધસી ગયેલા પોલીસ કાફલાએ પરિસ્થિતિ સંભાળી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. યુવાનોના રોષના પગલે એક તબક્કે માહોલ તંગ બન્યો હતો પરંતુ સદ્નસીબે વાત વધુ વણસી નહીં. આ લખાય છે ત્યારે મોડીરાત્રે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુમાં છે. કારચાલક શખ્સે કાર પૂરઝડપે દોડાવી દેતાં અન્ય એક યુવાન પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળે ચર્ચાતી વિગતો મુજબ કારનો ચાલક દરબાર હોવાથી એક દરબાર પોલીસ કર્મીએ ભગાડી દીધો હતો. પરંતુ કાર કોની માલિકીની છે, ચાલક કોણ છે, તે સહિતની વિગતો અનુત્તર જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાપરમાં પણ ટ્રાફિક વોર્ડન ઉપર છરી વડે હુમલો થયો હતો. આ પૂર્વે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં ટ્રાફિક વોર્ડનને તેની જ લાકડીથી માલેતુજાર કારચાલકે માર માર્યો હતો. બનાવનાં પગલે મહેશ્વરી સમાજના અગ્રણીઓએ પણ ઓસ્લો સર્કલ ખાતે દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ ત્રીજા ટ્રાફિક વોર્ડન સુનીલ કન્નરને પણ આ બબાલમાં ઇજા થઇ હતી.