ગાંધીધામમાં ક્ષયની બીમારીથી ત્રસ્ત શખ્સનો આપઘાત
ભુજ, તા. 18 : ગાંધીધામ શહેરમાં ડાયા જખુ મહેશ્વરી (ઉ.વ. 42)એ ક્ષયની બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇને પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. તો બીજી બાજુ ગંભીર રીતે દાઝી જવાના કિસ્સામાં ભુજ તાલુકાના માનકૂવા ગામની શબાના મુસ્તાક સાડ (ઉ.વ. 28) નામની પરિણીતા તથા લખપત તાલુકાના દયાપર ગામે વિજયાબેન મનજી ગરવા (ઉ.વ. 19) નામની યુવતીએ જીવ ગુમાવ્યા હતા.  અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ અનુસાર ગાંધીધામ શહેરમાં નવી સુંદરપુરી વિસ્તારમાં ગણેશ મંદિર નજીક કેબિનની બહાર ડાયા મહેશ્વરી નામના આધેડ વયના શખ્સે ગળેફાંસો ખાઇને મોત વહાલું કરી લીધું હતું. લોખંડના પાઇપમાં રૂમાલ વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતો તે મળી આવ્યો હતો. આ પછી બનાવ વિશે પોલીસને જાણ કરાઇ હતી.  પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે મરનાર ડાયાને છેલ્લા લાંબા સમયથી ટી.બી.ની બીમારી હતી. દવાઓ કરવા છતાં આ રોગ ન મટતા અંતે કંટાળીને તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં લખાવાયું છે. પાંચ સંતાનના પિતા એવા આ હતભાગીના મૃત્યુથી ગમગીની છવાઇ છે. બીજી બાજુ માનકૂવા ગામના સદુરાઇવાસ ખાતે રહેતી શબાના સાડનું અપમૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર 28 વર્ષની વયની આ પરિણીતા ગત બુધવારે રાત્રે તેના ઘરમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. ભુજ ખસેડાયા બાદ જનરલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે તેણે દમ તોડયો હતો. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જ્યારે લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આવી જ ઘટનામાં વિજયાબેન ગરવા નામની યુવતીની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હતભાગી ગત તા. 4થીના સંધ્યા સમયે તેના ઘરમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. દયાપરથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયા બાદ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.