પાંજરાપોળોના આર્થિક સંતુલન માટે નરગૌવંશને ઉત્પાદક બનાવવો જરૂરી
પાંજરાપોળોના આર્થિક સંતુલન માટે નરગૌવંશને ઉત્પાદક બનાવવો જરૂરી કેરા (તા.ભુજ) હાલ કચ્છની તમામ પાંજરાપોળ આર્થિક સ્વાવલંબન સમુતલા ખોઈ બેઠી છે. ચૈત્ર-વૈશાખ આવે ત્યાં સુધી તો લાખોનું ભારણ ચડી જાય છે. ઢોરની સંખ્યા વધતી જાય છે. સ્થિતિ બગડતી જાય છે. અમે નારાણપર હરિકૃષ્ણ નિરાધાર ગૌશાળા ટ્રસ્ટના માધ્યમે 700 ગૌવંશનો નિભાવ કરીએ છીએ. આર્થિક ખેંચ અને હિસાબના બે છેડા ભેગા કરવા કેટલું દુષ્કર છે તેનો વર્ષોનો અનુભવ છે તેવું હરિકૃષ્ણ નિરાધાર ગૌશાળા ટ્રસ્ટ નારાણપરના પ્રમુખ ધનજીભાઈ કરસન વરસાણી કહે છે. સંસ્થાના પ્રમુખ તરીકે મારો અનુભવ છે કે જયાં સુધી નરગૌવશંને શ્રમ ઉત્પાદક નહીં બનાવીએ ત્યાં સુધી આપણો ધ્યેય સિદ્ધ થવાનો નથી. અમે નારાણપર ગૌશાળામાં દૂધાળી ગાયોને નિ:શુલ્ક દોહવા-પીવા સારા કૃષકને આપીએ છીએ. તે બદલે તે ઈચ્છે તો ચારાનું નીરણ પહોંચાડે પણ તે ફરજિયાત નથી. તેનાથી ફાયદો એ થાય કે આજુબાજુના રહીશોને ઘરઘરાઉ દૂધ મળે તેનાથી તેનું આરોગ્ય સારું રહે, પાંજરાપોળ પ્રત્યે ભાવના વધે અને ટ્રસ્ટનું ભારણ ઘટે, પશુ છાત્રાલયની જેમ આવ-જા કરે, આ અભિગમ દરેક ટ્રસ્ટે અપનાવવા જેવો ખરો. બીજો ઉપાય છે ઘાસ ગોડાઉનમાં ચારાસંગ્રહનો, સારા વર્ષમાં પુષ્કળ ચારો સસ્તા-વાજબી ભાવે મળે છે તેનો યોગ્ય સંગ્રહ થાય તે જરૂરી છે. પરંતુ સૌથી પાયાનો ઉપાય નરગૌવંશની ઉત્પાદકતાનો છે, આપણે રખડતા પશુઓમાં સૌથી વધુ સંખ્યા વાછરડા, ખૂંટ, ગોધાની જોઈએ છીએ. આ બળદ હવે કોઈ કૃષિ કામના રહ્યા નથી. સંખ્યા વધતાં તે રખડતા રહે છે. કોઈ સારો માલિક પાંજરાપોળને હવાલે કરે તો પણ હવે જગ્યા નથી તેથી જ આવું ગૌવંશ કતલખાને જતું પકડાય છે. સમસ્યા નિવારવા `બુલ પાવર'ના ઉપયોગ શોધાવાની જરૂર છે. વિદ્યુત ઉત્પાદનના નાના ટર્બાઈનથી લઈ તેલ કાઢવાની નાની ઘાણી એકમમાં શ્રમ રૂપાંતરિત કરી શકાય તો  જ પાંજરાપોળોનું આર્થિક સંતુલન જળવાશે.