હસ્તકળાની વસ્તુઓની જાળવણી અંગે સમજ અપાઈ
ભુજોડી, તા. 18 : એલ.એલ.ડી.સી. (હેન્ડીક્રાફ્ટ મ્યુઝિયમ)માં `વર્લ્ડ મ્યુઝિયમ ડે'ની ઉજવણી કરાઈ હતી. શ્રૃજન સંચાલિત અજરખપુર, ભુજ ખાતે હેન્ડીક્રાફ્ટના જીવંત મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર' (એલ.એલ.ડી.સી.) ખાતે `વર્લ્ડ મ્યુઝિયમ ડે'ની ઓડિટોરિયમ ખાતે `કન્ઝર્વેશન-પ્રિઝર્વેશન સલામતી-જાળવણી) સેમિનાર યોજાયો હતો. દીપ પ્રાગટય સાથે સેમિનાર ખુલ્લો મુકાયો હતો. વક્તા ડો. યજ્ઞેશભાઈ દવેનું શ્રૃજન (એલ.એલ.ડી.સી.)ના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે, મહેમાનોનું શ્રૃજન પરિવાર વતી મહેશભાઈ ગોસ્વામીએ સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. લાલભાઈ રાંભિયા, વજીરભાઈ, પંકજભાઈ શાહ, દેવજી કાકા, ભારમલભાઈ, હસ્તકળાના નિષ્ણાતો, ડિઝાઈનરો, કારીગરો અને વિવિધ સંસ્થાઓ જેવી કે ખમીર, કસબ, વી.આર.ટી.આઈ.ના પ્રતિનિધિઓ તથા કચ્છભરના મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ્સ વિભાગની સેન્ટ્રલ કન્ઝર્વેશન લેબોરેટરીના સિનિયર કેમિસ્ટ (હેડ) અને કચ્છ મ્યુઝિયમના ઈન્ચાર્જ ક્યુરેટર ડો. યજ્ઞેશ દવેએ હસ્તકળાની વિવિધ પ્રોડક્ટની સલામતી, જાળવણી તથા પુન:સ્થાપન અંગે માર્ગદર્શન પ્રેઝન્ટેશન મારફતે આપ્યું હતું. અમીબેન, કલ્યાણી વાઘેલા, નેહલભાઈ અને મોહનભાઈએ કારીગરોને જાળવણી અને સલામતીની અત્યંત જરૂરી ઉપયોગી પદ્ધતિથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા વાકેફ કર્યા હતા. આ અવસરે જુદી-જુદી એમ્બ્રોઈડરી, લેકર વર્ક, લેધર વર્ક, પોટરી વર્ક, મડવર્ક, નામદા વર્ક, વીવીંગ વગેરેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ વેચાણ કરાયું હતું. લોકકલાકારો દ્વારા કચ્છી કાફી, આરાધી, ભજન રજૂ કરાયા હતા. કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના ઉપક્રમે યોજાયેલા કચ્છી લોકસાંસ્કૃતિક ચિત્રપ્રદર્શને પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સંજયભાઈ ઠાકર, બિપિન સોની, મનોજ સોની, હરેશભાઈ શેખા વગેરે કલાકારોએ બનાવેલા અદ્ભુત ચિત્રોએ સૌને મોહિત કર્યા હતા. સંજયભાઈ ગોહિલ અને બિપિનભાઈ સોનીએ લાઈવ ચિત્રો પણ દોર્યા હતા. તેવું કો-ઓર્ડિનેટર રાજીવ ભટ્ટની યાદીમાં જણાવાયું હતું.