રાજાશાહીનો શિણાય ડેમ તો જાણે વિસરાઇ જ ગયો !
રાજાશાહીનો શિણાય ડેમ તો જાણે વિસરાઇ જ ગયો ! ઉદય અંતાણી  ગાંધીધામ, તા. 18 : 1930ના દાયકા બાદ ત્રણેક દાયકા સુધી અંજાર અને ગાંધીધામ તાલુકાનાં ગામડાંને હજારો હેક્ટર જમીનમાં ફેલાયેલી ખેતીને પાણી પૂરું પાડતો રાજાશાહી જમાનામાં જ નિર્માણ પામેલો વિશાળ?ફલકમાં ફેલાયેલો શિણાય ડેમ લાંબા અરસાથી બિનઉપયોગી હાલતમાં જ છે. હાલ નર્મદાની કેનાલ ડેમની બાજુમાંથી જ પસાર થઇ રહી છે ત્યારે શિણાય ડેમને પણ નર્મદાનાં નીરથી ભરી ગાંધીધામ-આદિપુરના જળસ્રોત તરીકે વિકસાવવામાં આવે તો આ સંકુલની પાણી સમસ્યા મહદઅંશે ઉકેલાય તેમ છે. આદિપુરથી થોડા અંતરે આવેલા શિણાય ડેમને પુન:જીવિત કરવાની દિશામાં સરકારે કે વહીવટી તંત્રએ વિચાર સુદ્ધાં નથી કર્યો તે ખેદજનક હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. શિણાય ડેમના નિર્માણના ઇતિહાસ ઉપર નજર નાખીએ તો વર્ષ 1934માં કચ્છના મહારાવે સિંચાઇના હેતુથી ખેડૂતોની ડૂબમાં જતી જમીન વળતર વિના સંપાદન કરી આ ડેમ બાંધવામાં આવ્યો હતો. ડેમની બે કેનાલ મારફત ગાંધીધામ તાલુકાના અંતરજાળ, શિણાય, ભારાપર, અંજાર તાલુકાનાં તુણા, વંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1900 એકર જમીનમાં સિંચાઇ?થતી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતો માટેની વસાહતના બાંધકામ માટે અને પીવાનાં પાણીના ઉપયોગ માટે જે તે વખતના કમિશનર હસ્તક ડેમ સોંપવામાં આવ્યો હતો જે તે વખતે?ખેડૂતોની સિંચાઇ બંધ કરાવી ડેમ કંડલા પોર્ટ હસ્તક કરાવવા ગ્રામજનો સહમત થયા હતા. બાદમાં કંડલા પોર્ટ દ્વારા 1986માં ગુજરાત પાણી પુરવઠા બોર્ડને તે સોંપ્યો હતો. ત્યારથી અત્યાર સુધી ડેમ પાણી પુરવઠા હસ્તક જ છે. અંદાજે સાત કિલોમીટર જેટલા વિશાળ ફલકમાં પથરાયેલો શિણાય ડેમ પાંચથી છ વખત ઓગન્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. મોરબી જળ હોનારત વખતે ડેમ ફાટયો હોવાનું બુઝુર્ગ ગ્રામજનોએ જણાવ્યું હતું. આ ડેમ વર્ષ 1986 સુધી કંડલા પોર્ટ હસ્તક હતો ત્યારે શિણાયથી ગોપાલપુરી સુધી 600 ડાયાની પાઇપલાઇન નાખવામાં આવી હતી. જે હજુ સુધી પથરાયેલી જ છે. કેપીટી દ્વારા શિણાય ડેમનું પાણી વૃક્ષો-બગીચા માટે વાપરવામાં આવતું હતું. શિણાય ડેમમાં પાણીની આવક વીડી તરફથી આવતી હતી પરંતુ વીડી પાસે ડેમ બની જતાં તે ડેમ ભરાય પછી પાણી આવે. પાણીની ઓછી આવક અને અપૂરતા વરસાદના કારણે તેમજ ડેમમાં ચીકણી માટી તળિયામાં નખાતાં પાણી પીવાલાયક રહ્યું નથી. છેલ્લા ઘણા સમયથી ડેમનો કોઇ ઉપયોગ નથી થયો. જાણકારોના જણાવ્યા પ્રમાણે ડેમમાંથી ચીકણી માટી અને કાંપ કાઢીને ડેમને ઊંડો કરવામાં આવે અને ડેમની નજીકથી જ પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નર્મદાના નીરથી ડેમને ભરવામાં આવે તો ગાંધીધામ-આદિપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો પીવાનાં પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલી શકાય. ડેમનું એફ.એસ.એલ. 44.19 લિટર છે જ્યારે કેનાલું એફ.એસ.એલ. 41 લિટર છે. આથી તકનિકી રીતે ડેમ કઇ રીતે ભરાય તે માર્ગદર્શન મેળવી નર્મદાનાં નીરથી ડેમ ભરાય તો સોનામાં સુગંધ ભળે તેમ છે. શિણાયના સરપંચ ગોપાલભાઇ?વાઘમશીએ જણાવ્યું હતું કે, ડેમને નર્મદાનાં પાણીથી ભરવા માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઇ?છે. ગાંધીધામ નગરપાલિકા પાસે પોતાની પીવાનાં પાણીની કોઇ જ યોજના નથી. શિણાય ડેમનું પાણી 1986 સુધી ગોપાલપુરી જતું હતું તેમજ ગાંધીધામ-આદિપુરથી ડેમ ઊંચાઇ ઉપર પણ?છે. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે ડેમની પાણીની સંગ્રહક્ષમતા 447 એમ.સી.એફ.ટી.ની એટલે કે 12,600 એમ.એલ.ડી.ની છે. ગાંધીધામ-આદિપુરને 70 એમ.એલ.ડી.ની પ્રતિદિનની ખપત હોય તો 30 એમ.એલ.ડી. બાષ્પીભવનના નુકસાનને ધ્યાનમાં રાખીને 100 એમ.એલ.ડી. પાણી જોઇએ. જેથી ડેમની સંગ્રહશક્તિના આધારે 12600 એમ.એલ.ડી. પાણી ચાર મહિના ચાલે. જેથી વર્ષમાં ત્રણ?કે ચાર વાર ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવા પડે. ટપ્પર ડેમના પાણીનું ખારું થવાની સમસ્યા ઉકેલાતી નથી ત્યારે શિણાય ડેમને ઉપયોગી કરવાની દિશામાં સરકાર સક્રિય રીતે વિચારે તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.