કેપીટીમાં વારસદારોને નોકરી આપવામાં ઠાગાઠૈયાનો આક્ષેપ
ગાંધીધામ, તા. 18 : કંડલા પોર્ટમાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કામદારોના વારસદારોને એક દાયકા કરતાં પણ વધુ સમયથી પોર્ટ પ્રશાસન દ્વારા નોકરી આપવામાં કરાતા ઠાગાઠૈયા અંગે વારસદારોએ વડાપ્રધાન સમક્ષ ધા નાખી છે, સાથેસાથે 20મીએ ભૂખ હડતાળ આદરવાની ચીમકી પણ સ્થાનિક પ્રશાસનને આપી છે. પોર્ટ કર્મચારીઓના વારસદારોએ સહી સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે વારસદારોના માતા-પિતાના અવસાન બાદ કંડલા પોર્ટ ટ્રસ્ટ તરફથી વારસદારો પાસેથી માગવામાં આવેલા જરૂરી આધાર-પુરાવા આપવામાં આવ્યા છે. વર્ષ 2005થી વર્ષ 2017 સુધી મૌખિક તેમજ લેખિત રજૂઆતો પ્રશાસન સમક્ષ કરી કાયદેસરના લાભો આપવા માટે માગણી કરાઈ છે પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પોર્ટ પ્રશાસન દ્વારા જાતજાતના બહાના બનાવી 250 જેટલા વારસદારોને મનસ્વી રીતે અન્યાય કરાયો હોવાનો આક્ષેપ પત્રમાં કરવામાં આવ્યો છે. વારસદારો સ્નાતક, અનુસ્નાતક, એલએલ.બી., એન્જિનીયર, આઈટીઆઈ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવે છે. અમુક વિધવા ત્રીઓ છે જેનો કોઈ આશરો નથી. આવા વારસદારોની બાદબાકી કરી બહારથી લોકોની ઓપન ભરતી કરી છે. વર્ષ 2016માં બોર્ડ બેઠકમાં 5 ટકા ક્વોટા વારસદારોને નોકરી આપવા નિર્ણય લેવાયો હતો. પરંતુ આ ઠરાવ મુજબ પણ કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનું પત્રમાં જણાવાયું છે. આ ગંભીર પ્રશ્ને મધ્યસ્થી કરી નિવેડો લાવવા વડાપ્રધાનને પત્રમાં અનુરોધ કરાયો છે.